અમેરિકામાં સતત ત્રીજી વાર વ્યાજદરમાં ઘટાડો, ભારતીય બજારમાં પણ હરિયાળી
અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (0.25%)નો ઘટાડો કર્યો છે. હવે તે 3.50% થી 3.75% ની વચ્ચે આવી ગઈ છે. આ પહેલા ફેડે 29 ઓક્ટોબરે પણ 0.25%નો ઘટાડો કર્યો હતો, જેના કારણે તે 3.75% થી 4.00%ની વચ્ચે હતો. ફેડે આ પગલું મુખ્યત્વે લેબર માર્કેટમાં નરમાશ અને વધેલી મોંઘવારીને કારણે ભર્યું છે.
અમેરિકામાં થતી કોઈપણ હિલચાલની સીધી અસર ભારતીય બજાર પર પડે છે. હવે, યુએસ ફેડરલ રિઝર્વે પોલિસી રેટમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી.
આ સતત ત્રીજી વખત છે જ્યારે ફેડે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલા 17 સપ્ટેમ્બર અને 29 ઓક્ટોબરે વ્યાજ દરોમાં કુલ 0.50%નો ઘટાડો થયો હતો. ત્યારે વ્યાજ દરો 4% - 4.25% અને 3.75% - 4% ની વચ્ચે આવી ગયા હતા. ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ આ ઘટાડાની તરફેણમાં 9-3 થી મતદાન કર્યું.
ગયા વર્ષે ત્રણ વખત ઘટાડ્યા હતા વ્યાજ દર
ગયા વર્ષે ફેડે સતત ત્રણ વખત - ડિસેમ્બરમાં 0.25%, નવેમ્બરમાં 0.50% અને સપ્ટેમ્બરમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. ત્યારથી દરો 4.25% થી 4.50% ની વચ્ચે હતા. સપ્ટેમ્બર 2024નો ઘટાડો લગભગ 4 વર્ષ પછી કરવામાં આવ્યો હતો.
ફેડ દ્વારા માર્ચ 2020 પછી સપ્ટેમ્બર 2024માં વ્યાજ દરો ઘટાડવામાં આવ્યા હતા. મોંઘવારી નિયંત્રિત કરવા માટે સેન્ટ્રલ બેંકે માર્ચ 2022 થી જુલાઈ 2023 વચ્ચે 11 વખત વ્યાજ દરોમાં વધારો કર્યો હતો.