ઈન્ડિયાનો સા. આફ્રિકા સામે 51 રને પરાજય
ઈન્ડિયન ટીમ સાઉથ આફ્રિકા સામે બીજી T20 મેચ 51 રનથી હારી ગઈ. આનાથી 5 મેચની સિરીઝ 1-1ની બરાબરી પર આવી ગઈ છે. ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ ધર્મશાળામાં રમાશે.
ગુરુવારે મુલ્લાનપુરમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી, પરંતુ બોલરો તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. અર્શદીપ-બુમરાહે ખૂબ રન આપ્યા. સાઉથ આફ્રિકાએ 213 રનનો સ્કોર બનાવ્યો. ક્વિન્ટન ડી કોકે 46 બોલમાં 90 રન બનાવ્યા. છેલ્લે, ડેનોવાન ફરેરા (અણનમ 30 રન)એ ડેવિડ મિલર (અણનમ 20 રન) સાથે ફિફ્ટી પાર્ટનરશિપ કરીને સ્કોર 200ને પાર પહોંચાડ્યો.
જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી. ટીમે પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ 0, અભિષેક શર્મા 17 અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ 5 રન બનાવીને આઉટ થયા. અક્ષર પણ 21 રનના અંગત સ્કોર પર આઉટ થયો. અહીંથી તિલક વર્માએ હાર્દિક પંડ્યા સાથે મળીને ઇનિંગ્સ સંભાળવાની કોશિશ કરી, પરંતુ 118 રન પર હાર્દિક પંડ્યા (20 રન) આઉટ થયા પછી ભારતીય ટીમે સતત વિકેટો ગુમાવી અને 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
સાઉથ આફ્રિકા તરફથી ઓટ્ટનીલ બાર્ટમેને 4 વિકેટ ઝડપી. લુંગી એન્ગિડી, માર્કો યાન્સેન અને લૂથો સિપામલાએ 2-2 વિકેટ લીધી.