ઇન્ડિગોની મોટી જાહેરાત, હેરાન થયેલા મુસાફરોને વળતર અપાશે
ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને પરેશાની થઈ, કારણ કે આ દરમિયાન ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું.
એના પછી એરલાઇન વિરુદ્ધ DGCAએ કડક પગલાં લીધાં છે. હવે ઇન્ડિગોએ 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું હતું કે પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર 5,000થી 10,000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.
ટ્રાવેલ વાઉચરને લઈને આ નિયમ આ સાથે જ એરલાઇને સૌથી વધુ પ્રભાવિત મુસાફરો માટે 10,000 રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર જારી કરવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણય તે મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ રાહત માનવામાં આવી રહ્યો છે, જેમની યાત્રા યોજનાઓ અચાનક બદલાઈ ગઈ અને જેમને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો.
આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે તેને આગામી 12 મહિના સુધી ક્યારેય પણ ઉપયોગ કરી શકાય છે. યાત્રીઓ ભારતમાં ઇન્ડિગોની કોઈપણ ડોમેસ્ટિક ફ્લાઇટ અથવા ઈન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.